Skip to content

|| उपनयन संस्कार ||

वसंत पंचमी, वि. सं. २०८१

પ્રસ્તાવના :

ભારતીય સનાતન સંસ્કૃતિમાં સોળ સંસ્કારોની વિશેષ મહિમા છે. સંસ્કાર શબ્દનો સામાન્ય અર્થ વિમલીકરણ અથવા શુદ્ધિકરણ થાય છે. જેમ કોઈ ગંદી વસ્તુ ધોઈને શુદ્ધ અને નિર્મળ બને છે અથવા જેમ સોનાની અશુદ્ધિઓને અગ્નિમાં ગરમ ​​કરીને દૂર કરવામાં આવે છે, તેવી જ રીતે સંસ્કાર દ્વારા જીવના જન્મ-જન્માન્તરોના કર્મની અશુદ્ધિઓ પણ દૂર થાય છે. અરીસા પર પડેલી સામાન્ય ગંદકી જેમ કે ધૂળ વગેરેને કપડા વડે લૂછવી, દૂર કરવી કે સાફ કરવી તેને દોષાપનયન કહેવાય છે, પછી તે અરીસાને કોઈપણ રંગ કે તેજસ્વી પદાર્થનો ઉપયોગ કરીને વિશેષ ચમકદાર કે તેજસ્વી બનાવવાને ગુણાઘાન કહેવાય છે. આ રીતે, સંસ્કારમાં મુખ્યત્વે બે પ્રકારની પ્રવૃત્તિઓ છે - એક દોષાપનયન અને બીજી ગુણાઘાન. સંસ્કાર, સંસ્કૃતિ અને ધર્મ દ્વારા મનુષ્યમાં માનવતા આવે છે અને આપણા આ સોળ સંસ્કારો દ્વારા મલિન અંતરાત્મા શુદ્ધ થાય છે, આ જ કારણ છે કે સનાતન ધર્મમાં ગર્ભધારણની ક્ષણથી મૃત્યુપર્યન્ત માટે સંસ્કાર આપવામાં આવેલ છે. સંસ્કારો શારીરિક, પ્રાણીક, માનસિક,  બૌદ્ધિક અને આત્મિક શુદ્ધિ કરી આપણને ધાર્મિક કાર્યો કરવાની યોગ્યતા પ્રાપ્ત કરાવે છે. આ સંસ્કારો ખાસ કરીને અંતઃકરણને અસર કરે છે. શાસ્ત્રોમાં સોળથી અડતાલીસ સંસ્કારોનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે, તેમાંથી સોળ સંસ્કારોની વિશેષ પ્રતિષ્ઠા છે.

ઉપનયન સંસ્કાર

સોળ સંસ્કારોમાં ઉપનયન સંસ્કારનું વિશેષ મહત્વ છે. ઉપનયન સંસ્કાર એટલે - વિશિષ્ઠ દ્રષ્ટિકોણથી જીવન જીવવા દીક્ષિત થવું અને તેમાં સહુથી વિશેષ દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓએ મારા ઉપર કરેલ અનંત ઉપકારને સતત કૃતજ્ઞતા પૂર્ણ રીતે યાદ કરાવતું પવિત્ર દોરો એટલે : જનેઉ. સર્વ સમર્થ ભગવાન મારી અંદર છે, મારી સંભાળ રાખે છે અને તેને ગમતું જીવન મારે બનવાનું છે… આ ત્રણ વાતો પ્રત્યેક ક્ષણ વ્યક્તિના સ્મૃતિમાં રહે તે માટે દીક્ષિત થવું એટલેજ ઉપનયન સંસ્કાર. વાસ્તવમાં તો આ પવિત્ર દોરા આપણામાં રહેલા હૃદયસ્થ ભગવાનનાનું જ પૂજન છે.  શાસ્ત્રો આધારે ઉપનયન વિના, વ્યક્તિ કોઈપણ યજ્ઞ  તેમજ શ્રૌત-ધાર્મિક કાર્ય માટે હકદાર નથી, પછી તે કોઈ પણ વર્ણ કે જાતિનો હોય. કોઈ ઉપનયન સંસ્કાર આ પવિત્ર દોરો એટલે કે જનેઉ પહેર્યા પછી જ આ યોગ્યતા પ્રાપ્ત થાય છે. દેવકર્મ અને પિતૃકર્મ ઉપનયન વિના થઈ શકતા નથી. આ સંસ્કાર દ્વારા જ દ્વૈતની પ્રાપ્તિ થાય છે. તૈત્તિરીય સંહિતા જણાવે છે કે મનુષ્ય ત્રણ ઋણ સાથે જન્મે છે (1) ઋષિ ઋણ, (2) દેવ ઋણ અને (3) પિતૃ ઋણ. આ ત્રણેય ઋણમાંથી મુક્તિ પવિત્ર જનેઉ વિધિ કર્યા વિના શક્ય નથી. જો યજ્ઞોપવિત સંસ્કાર ન હોય, તો વ્યક્તિને આ ત્રણ કાર્યો કરવાનો અધિકાર નથી. તેથી, યજ્ઞોપવીતના અતિપવિત્ર સંસ્કારનું ખૂબ મહત્વ છે. તેને જનેઉ, વ્રતબંધન અને વ્રતાદેશ પણ કહેવાય છે. સનાતન સંસ્કૃતિની માન્યતા છે કે દરેક મનુષ્ય એકવાર માતાના ગર્ભમાંથી જન્મ લે છે અને બીજો જન્મ ઉપનયન સંસ્કાર દ્વારા થાય છે. આ સંસ્કાર દ્વારા જાતકના અંતઃચક્ષુ ખોલવાનો પણ ભાવ છે. આ આધારે, જેણે ઉપનયન સંસ્કાર કર્યા છે તેને દ્વિજ કહેવામાં આવે છે એટલે કે બે વાર જન્મ લેનાર.

વિધિ- વિધાન

શાસ્ત્રો અને ધર્મ/સ્મૃતિ ગ્રંથો આધારે તેવું કહી શકાય કે માણસ જન્મથી સહજભાવે पापोहं पाप कर्मणानाम પાપ કરવા પ્રેરાતો હોય છે પણ આ સંસ્કારો થકી જ તે પોતાના મુખ્ય કર્તવ્યને ઓળખી પરમ ધ્યેયની પ્રાપ્તિ માટે સંકલ્પિત થાય છે. એટલેજ તો કોઈ પણ બાળક, યુવાન અને પ્રૌઢ વ્યયનો વ્યક્તિ જેમને પણ બ્રહ્મવિદ્યામાં મેળવી મૂળ સ્વરૂપમાં સ્થિત થવા પ્રસ્થાન કરવું હોય, તે ઉપનયન સંસ્કાર થકી વૈદિક ધર્મના આચરણ માટે વ્રતપૂર્વક દીક્ષિત થઇ શકે. પૌરાણિક કાળમાં જયારે આશ્રમ અને વર્ણ વ્યવસ્થા અકબંધ હતી, ત્યારે બ્રાહ્મણત્વનું અભ્યાસ કરનાર બાળકને આઠ વર્ષે, ક્ષાત્રત્વનું અભ્યાસ કરનાર બાળકને દસ વર્ષે અને વૈષ્યત્વનું અભ્યાસ કરનાર બાળકને બાર વર્ષે ગુરુકુળ પ્રવેશ પહેલા ઉપનયનનો વિધાન છે. પરંતુ વર્તમાન સમયમાં આ વ્યવસ્થાઓમાં આવેલ અવનતિના કારણે ઉપનયન સંસ્કાર મોટી ઉંમરે પણ આચાર્ય પારસ્કરના ગૃહ્યસૂત્ર અને અન્ય સ્મૃતિ/ધર્મ ગ્રંથો દ્વારા સૂચવેલ વિધિ અનુસાર સંભવ છે. તે માટે ત્રિમાસિક વિશિષ્ઠ અનુષ્ઠાન સાધના થકી આપણે ઉપનયન સંસ્કારના ઉત્તમ અધિકારી બની શકીએ અને જનોઈને તેને માત્ર વિધિના રાખતા વૈદિક જીવન જીવવાની ઉત્તમ કળાને સ્વયંમાં ફળીભૂત કરી શકીએ.

અનુષ્ઠાન

ભોજન અને વિશ્રામની જેમ ઉપાસના ક્રમ પણ જીવનચર્યાનો અભિન્ન અંગ હોવું જોઈએ. સામાન્ય સંજોગોમાં માણસ ઉપાસના માટે માર્યાદિત સમય ફાળવી શકે છે, પરંતુ જયારે કોઈ મોટો સંકલ્પ, મહત્વનો સંસ્કાર કે સવિશેષ ધાર્મિક ક્રિયા કરવાની હોય ત્યારે તેજ ઉપાસનાનો ક્રમ વધીને અનુષ્ઠાન બની જાય છે. અનુષ્ઠાનની પદ્ધતિ જીવનના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠત્વ પામવા વ્યાપક અર્થમાં અપનાવવામાં આવે છે, જે નીચે ઉદાહરણ થકી વધારે સારી રીતે સમજી શકાય:

  1. ખેલાડી દરરોજ રમે છે, પણ ક્યારેક સુવર્ણપદક મળેવવાના ઉદ્દેશ્ય સાથે તાલીમ શિબિરોમાં વિશેષ કસરતની દિનચર્યામાંથી પસાર થાય છે.
  2. સૈનિકો નિયમિતપણે પરેડ યોજે છે, પરંતુ કેટલીવાર વિશેષ કાર્યક્રમ માટે તેઓ વિશેષ ક્રમે સમય આપી તેમાં ચીવટતા અને પૂર્ણતા મેળવે છે.
  3. વિચારકો એકબીજા સાથે ઘણા વિષયો પર ચર્ચા કરતા હોય છે, પરંતુ કેટલીકવાર વિશેષ પરામર્શ સેમિનાર યોજીને તેઓ કોઈ એક વિષયમાં ખુબ ઊંડાણ પૂર્વક વિશ્લેષણ/સંશ્લેષણ કરી તેનું તૈલસ્પર્ષી નિષ્કર્ષ તારા હોય છે.
  4. સાધકો/યોગીઓ આમતો રોજ ઈશ્વરની આરાધના કરતા હોય છે, પરંતુ કેટલીક વાર તેજ સાધકો કોઈ સિદ્ધિ મેળવવા અથવા મનને ઈશ્વરમય બનાવવા અમુક ઉત્સવો/દિવસોમાં વૈદિક મંત્રોનું હજારો વખત જપ/માળા/યજ્ઞ/ધ્યાન કરી આધ્યાત્મિક યાત્રામાં ગતિ મેળવે છે.


દરેક વખતે અનુષ્ઠાન કરવાથી વ્યક્તિ તે દિશામાં વિશેષ ગતિ મેળવે છે. આ બધાને વિશેષ અનુષ્ઠાન કહી શકાય, પરંતુ તત્ત્વતઃ અનુષ્ઠાનનું મુખ્ય ઉદ્દેશ જીવને શિવ સુધી પોહ્ચાડવાનો છે. આ જ રીતે સંસ્કાર સંબંધિત અનુષ્ઠાન કરી વ્યક્તિ પોતાની શારીરિક, પ્રાણીક, માનસિક, બૌદ્ધિક અને આત્મિક વૃદ્ધિ કરી તે સંસ્કાર માટે વિશેષ અધિકારિત્વ મેળવી શકે છે, નહીં તો સંસ્કારવિધિ માત્ર કર્મકાંડ બની રહે છે.

ઉપનયન સંસ્કાર માટેનું ત્રિમાસિક અનુષ્ઠાન

શાર્દૂલ પરિવાર આવતા વર્ષે વસંત પંચમી (02/02/2025, રવિવાર)ના દિવસે સામુહિક ઉપનયન સંસ્કાર કરવા જઈ રહ્યું છે. આ સંસ્કાર માટે અધિકારત્વ કેળવવા અને તેનો જીવન વિકાસમાં વધારે લાભ લેવા માટે ત્રિમાસિક અનુષ્ઠાનની યોજના રાખેલ છે. ઉપનયન સંસ્કાર પછી અનિવાર્ય  દૈનિક ઉપાસના ક્રિયાઓ કરવા શારીરિક, માનસિક અને બૌદ્ધિક તૈયાર થવા માટે આપણે ત્રણ મહિના માટે સરળ થી કઠિન વ્રતો ગોઠવ્યા છે. તે અંતર્ગત ઉપનયન સંસ્કારનું સંકલ્પ લેનાર વ્યક્તિએ ત્રણ મહિના સુધી જાતે જ વ્રતનિષ્ઠા અને પ્રમાણિકતા સાથે નિશ્ચિત વ્રતો પાળવાના છે, અને તેનું નિવેદન એક નિશ્ચિત ફોર્મેટમાં સંસ્કાર આયોજક સમિતિને આપવાના રહેશે.

પ્રથમ માસ : (02/11/2024 થી 01/12/2024)

  1. પ્રાણાયામ -  અનુલોમ વિલોમ, કપાલ ભાથી, ભ્રામરી - 10 મિનિટ
  2. સ્નાન - હાથમાં જળ લઈને નદીઓને આહવાહન
  3. માળા - ગુરુમંત્ર અથવા ગાયત્રી મંત્રની ત્રણ માળા
  4. અર્ઘ - સૂર્યદેવતાને અર્ઘ પછી જ અલ્પાહાર
  5. મંત્ર લેખન - ગાયત્રી મંત્ર લેખન પુસ્તીકા
  6. ચિંતન સત્ર - 16 સંસ્કાર

 

બીજો મહિનો: (02/12/2024 થી 30/12/2024)

પહેલા મહિનાના બધાજ વ્રત યથાવત રહેશે તે ઉપરાંત બીજા મહિનામાં નિમ્નલિખિત વ્રતો ઉમેરવાના રહેશે.  

  1. સૂર્યઉપાસના - સૂર્યનમસ્કાર, સૂર્ય આસન અને સૂર્યધ્યાન
  2. પારાયણ - ગીતાજીનો એક અધ્યાય, કોઈ પણ સ્તોત્ર અથવા ઉપનિષદ્ 
  3. મંદિર ગમન - સપ્તાહમાં એક વાર કોઈ પણ મંદિરે જવું.
  4. એકાદશી - એક ટાણું ઉપવાસ કરવું અને ઘર થી બહાર કોઈ પણ એક ઘરમાં મળવા જવું.
  5. વંદન - રોજ સવારે કે સાંજે માતા પિતા/ પિતૃઓને વંદન કરવું.

 

ત્રીજો મહિનો : (31/12/2024 થી 29/01/2025)

પહેલા અને બીજા મહિનાના બધાજ વ્રત યથાવત ત્રીજા મહિનામાં પાળવાના રહેશે, તે ઉપરાંત ત્રીજા મહિનામાં નિમ્નલિખિત વ્રતો ઉમેરવાના રહેશે.

 

  1. ધ્યાન - રોજ 10 મિનિટ
  2. બ્રહ્મચર્ય - આશ્રમ અનુકૂળ વ્રત
  3. આહાર - બહારનું રાંધેલું નહિ જમવાનું
  4. વાચન - કુટુંબ સાથેનું વાંચન
  5. શયન - મહિનામાં 7 દિવસ નીચે સુવાનું 
  6. સેવાકાર્ય: ગુરુકુળમાં 2 દિવસ સેવા કાર્ય.

 

ઉપનયન સંસ્કાર ત્રિ-દિવસીય અનુષ્ઠાન - (30/01/2025 થી 01/02/2025)


पयोव्रतो ब्राह्मणो यवागूव्रतो राजन्य आमिक्षाव्रतो वैश्यः ॥ शतपथ ब्रा० ॥


જે દિવસે યજ્ઞોપવીત કરવું હેાય તેનાથી ત્રણ અથવા એક દિવસ પૂર્વે બાળક/સાધકને વ્રત કરાવવું જેઈએ. એ વ્રતમાં બ્રાહ્મણના છોકરાએ માત્ર દૂધ પીને. ક્ષત્રિયના છોકરાએ જવની રાબ અને વૈશ્યના છોકરાએ શ્રીખંડ ખાઈને રહેવું જેઈએ. આ સિવાય અન્ય પદાર્થો નહી ખાવા. જ્યારે જ્યારે ભૂખ લાગે ત્યારે ત્યારે જ ઉપર કહેલા પદાર્થો જ ખાવા.

 

સમાપન

જો આપણા સોળ સંસ્કારો આ સમજ સાથે કરવામાં આવે તો તે ઋષિઓએ આપેલ આ મૂલ્ય આધારિત શિક્ષણમાં એક નવીજ ક્રાંતિનો શંખનાદ બની ઉઠશે. તે માટે જ શાર્દૂલ પરિવાર સંસ્કાર પ્રક્રિયાને યુગાનુકૂળ બનાવી તેને સમાજમાં પુન:પ્રતિષ્ઠા મળે માટે સતત પ્રયન્તશીલ છે. આ મૃતપાય સંસ્કારોમાં પ્રાણ પુરવાથી ચોક્કસ પણે મુરઝાયેલો, ગૂંગળાયેલી અને તેજહીન બનેલ માનવ જાત ફરી ઉભી થશે, તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના.