Our Latest Research
View Our Latest Events & Activities
આ પાર્લે-જી નહી, પણ બાળક છે
માસ પ્રોડકશનના યુગમાં અને વસ્તુને વધારે માનક બનાવવાની હોડમાં માણસે બધીજ જડ વસ્તુઓને તો આવરી લીધી છે પણ હવે તેણે પોતાની જાતને પણ તેમાં સમાવી દીધી છે. મૂવીમાં જયારે રોબોટ જોઈએ, ત્યારે પ્રશ્ન ઉભો થતો કે આવા એક સરખા માણસ જેવા દેખાતા આવા કૃત્રિમ ભાવના વાળા રોબોટ શક્ય છે ખરા? આવા રોબોટ બનાવામાં કયા પ્રકારની ટેનોલોજીનો ઉપયોગ થશે? અને તે વાસ્તવિક દુનિયામાં ક્યારે સંભવ થશે?
થોડું અવલોકન કરતા ધ્યાન આવ્યું કે આ પ્રશ્નોના જવાબ શોધવા ક્યાંય દૂર જવાની જરૂર નથી. આવા પ્રકારના રોબોટ બનાવા માટે માણસે દરેક ગામમાં કારખાના ખોલ્યા છે અને નગરોમાં તો ગલીએ ગલીએ. અને તે કારખાનાથી નીકળતી Productsની ખુબ ઊંચા ભાવે માંગ પણ ઉભી કરી છે. અરે, તમને જાણીને નવાઈ લાગશે કે તે કારખાનામાં કાચા માલ તરીકે જે હોમાય છે તે છે…બાળકો, અને ત્યાંના કારીગરને કહેવાય છે…શિક્ષક અને તે કારીગરોના Supervisor એટલે …પ્રિન્સિપાલ અને કારખાનાના માલિકો એટલે…ટ્રસ્ટી અને તેના ભગવાન એટલે ગ્રાહકો એટલે…અભિભાવક અને તે ટેક્નોલોજી જેના થકી આવા ફર્સ્ટ ક્લાસ રોબોટ જેવા માણસો ઉભા થાય છે તેનું નામ છે…સ્કૂલ.
સ્કૂલોમાં ચાલતી શિક્ષણપ્રણાલી શું કોઈ કારખાનાના મશીન થી ઓછી છે ખરી? તેમા મોકલવામાં આવેલો બાળક પૂર્વજન્મના સંસ્કારો અને ભગવાને આપેલી અદ્વિતીયતા સાથે તેમાં જાય છે અને જયારે તે એ કારખાનાની ભટ્ટીમાં તપીને હેમ ખેમ બહાર નીકળે ત્યારે તે પાર્લે-જી બિસ્કિટના પેકેટની જેમ એક સરખા દેખાતા, એકજ સ્વાદના અને એક બીજાથી જુદા ના પાડી શકાય તેવા Graduate થઈને બહાર આવે છે, અને તેમને આ વાતનુ ગૌરવ પણ થાય છે.
આ જોઈને ભગવાન પણ મૂંઝાતો હશે કે આ માનવીને મારી કલાની કોઈ કદર જ નથી. હું કેટ કેટલી મહેનત કરીને દરેક બાળકને અદ્વિતીય બનાવું છું અને આ માનવી બસ તેને સ્કૂલમાં મોકલીને મારી બધીજ મહેનત પર પાણી ફેરવી દે છે. સૃષ્ટિ ના સર્જનથી આજ સુધી મૈં એક જેવા બે માનવી બનાવ્યા નથી પણ આ માનવી તો ખરો છે, પોતાની ભૌતિક વ્યવસ્થા અને અનુકૂળતા સાચવવા માટે તે આવા બધા માનવીને સાક્ષરતા આપી રોબોટ સમાન બનાવી ચુક્યો છે.
એક બાજુ આપણી રચના અને બીજી બાજુ પ્રભુની
એટલેજ તો કેહવું પડે કે જેટલા સારા રોબોટ શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો તેમની અદ્યતન પ્રયોગશાળાઓમાં ન બનાવી શકે તેના કરતાં પણ વધારે સારા અને સસ્તા રોબોટ આપણી સ્કૂલોમાં થોકમાં બની રહ્યા છે. હવે તો સમજો કે તમારા ઘરે આવેલું જીવ ચૈતન્યથી ભરેલું અદ્વિતીય બાળક છે અને હજી પણ જેને ના સમજાય તેમને પાર્લે-જી મુબારક.